સોમનાથમાં આજે અમૃત મહોત્સવના અવસરે દેશભક્તિ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો અનોખો માહોલ જોવા મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચતા જ શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. રસ્તાઓના બન્ને બાજુ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું. રોડ શો બાદ પીએમ મોદી સીધા સોમનાથ મહાદેવના દર્શનાર્થે મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિશેષ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ જેવી મંગલ વિધિઓમાં ભાગ લીધો હતો.
સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત મંદિરના શિખર પર 11 તીર્થોના પવિત્ર જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો. આશરે 90 મીટર ઊંચી ક્રેન દ્વારા વિશાળ કુંભને મંદિરના શિખર સુધી લઈ જવાયો હતો. મંત્રોચ્ચાર વચ્ચે આ અભિષેકની વિધિ પૂર્ણ થતાં સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત ભક્તો માટે આ ક્ષણ ઐતિહાસિક અને ભાવવિભોર બનાવનારી બની હતી.
વિધિઓ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ સભાને સંબોધતા કહ્યું કે આજે આપણે દેવોના દેવ મહાદેવની વિગ્રહ પ્રતિષ્ઠાના 75 વર્ષ ઉજવવા માટે એકત્ર થયા છીએ. તેમણે જણાવ્યું કે મહાદેવ એ જ તત્વ છે જેમાંથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું છે અને અંતે બધું જ તેમાં વિલીન થાય છે. સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતની અનંત ચેતના, આસ્થા અને અડગ સંકલ્પનું જીવંત પ્રતિક છે.
પીએમ મોદીએ જણાવ્યું કે પંચોત્તેર વર્ષ પહેલાં આજના જ દિવસે સોમનાથ મંદિરની પુનઃસ્થાપના કરવામાં આવી હતી. તેમના મતે આ કોઈ સામાન્ય ઘટના નહોતી. 1947માં ભારતને રાજકીય સ્વતંત્રતા મળી હતી, પરંતુ 1951માં સોમનાથ મંદિરનો અભિષેક ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતાની ગર્જના સમાન હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે સોમનાથ અમૃત મહોત્સવ માત્ર ભૂતકાળની ઉજવણી નથી, પરંતુ આગામી હજાર વર્ષ માટે ભારતને માર્ગદર્શન આપનારી પ્રેરણાનો પર્વ છે.
પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં 11 મે, 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણોની પણ યાદ તાજી કરી. તેમણે જણાવ્યું કે આ દિવસ ભારતના આત્મવિશ્વાસ અને રાજકીય સંકલ્પનું પ્રતિક છે. 11 મેના રોજ ભારતે ત્રણ પરમાણુ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચ્યું હતું. વિશ્વના અનેક દેશોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભારતે આટલો મોટો નિર્ણય કેવી રીતે લીધો. ત્યારબાદ વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા અને ભારતને દબાણ હેઠળ લાવવાના પ્રયાસો થયા હતા.
પરંતુ તેમણે યાદ અપાવ્યું કે 13 મેના રોજ ભારતે વધુ બે પરમાણુ પરીક્ષણો કરીને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારતનો રાજકીય સંકલ્પ અડગ છે. પીએમ મોદીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં તે સમયે દેશે વિશ્વને બતાવ્યું હતું કે ભારત માટે રાષ્ટ્ર હંમેશા પ્રથમ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પૃથ્વી પરની કોઈ શક્તિ ભારતને નમાવી શકતી નથી અને કોઈ દબાણ ભારતને પોતાના માર્ગથી હટાવી શકતું નથી.
તેમણે “ઓપરેશન શક્તિ”નો ઉલ્લેખ કરતાં કહ્યું કે શિવ સાથે શક્તિની ઉપાસના ભારતની પ્રાચીન પરંપરા છે. આ જ ભાવનાએ દેશને વૈજ્ઞાનિક પ્રગતિ તરફ પ્રેરિત કર્યો છે. આધ્યાત્મિકતા અને આધુનિકતા બંને ભારતની શક્તિ છે અને આજે દેશ એ જ માર્ગ પર આગળ વધી રહ્યો છે.
પીએમ મોદીએ સોમનાથના ઐતિહાસિક સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું કે આ મંદિર પર ભૂતકાળમાં અસંખ્ય આક્રમણો થયા હતા. ગઝનીના મહમૂદથી લઈને અલાઉદ્દીન ખિલજી સુધી અનેક આક્રમણકારોએ તેની ભવ્યતાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સોમનાથને માત્ર પથ્થરની રચના માનતા હતા, પરંતુ તેઓ ભારતની આત્મશક્તિને સમજી શક્યા નહોતા. વારંવાર મંદિર તોડાયું, છતાં વારંવાર તેનું પુનર્નિર્માણ થયું. દરેક વિનાશ પછી તે વધુ તેજસ્વી રીતે ઉભરતું રહ્યું.
તેમણે અંતમાં કહ્યું કે આપણું દર્શન કહે છે કે ભૌતિક શરીર નાશવંત છે, પરંતુ આત્મા અવિનાશી છે. સોમનાથ એ જ અવિનાશી આત્માનું પ્રતિક છે. મહાદેવ વિશ્વાત્મા છે અને સોમનાથનું આ પુનર્જીવન ભારતની અખંડ સાંસ્કૃતિક ચેતનાનો જીવંત પુરાવો છે. આજે સોમનાથથી ફરી એકવાર સમગ્ર વિશ્વને સંદેશ મળ્યો છે કે ભારતની આસ્થા, સંસ્કૃતિ અને સંકલ્પને કોઈ શક્તિ ક્યારેય ઝૂકાવી શકશે નહીં.
